ગીર સોમનાથ: ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા વિધાનસભા મતવિસ્તારના જાંબુર-માધુપુરમાં ઉભા કરાયેલા વસુધૈવ કુટુમ્બકમ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લોકશાહીના મહાપર્વમાં સર્વ પોતાનું યોગદાન આપે એવા હેતુથી તૈયાર કરાયેલું આ વિશિષ્ટ મતદાન મથક સૈકાઓ પહેલાં મૂળ આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું વસુધૈવ કુટુમ્બકમ મતદાન મથક જાંબુર-માધુપુર ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ મતદાન મથકના એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવી છે. જેથી અન્ય મતદારો પણ સીદી સમાજના સદીઓ જૂના ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકશે. જાંબુર-માધુપુરનું મતદાન મથક પર આજે અલગ જ માહોલ છવાયો હતો.
સીદી સમુદાયનો ગુજરાત સાથેનો ઇતિહાસ
ગીર સોમનાથ જિલ્લામાં વસતા 3481 સીદી સમાજના મતદારો માટે ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા ત્રણ અલાયદા મતદાન બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. અંદાજે 15મી સદીમાં જૂનાગઢના તત્કાલીન નવાબે ઉપરકોટનો કિલ્લો બંધાવવા માટે મજબૂત ગુલામો તરીકે આફ્રિકાથી અશ્વૈત મૂળના સીદી લોકોને લાવ્યા હતા. ઉપરકોટના કપરા ચઢાણમાં પણ આફ્રિકન પ્રજાતિના આ લોકોએ કોઈપણ યાંત્રિક મદદ વગર અનેક ટનનો વજન ચડાવ્યો હતો. કિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ આ ગુલામોથી છુટકારો મેળવવા માટે નવાબે તેઓને ગીર જંગલની મધ્યમાં જાંબુર નામનું નાનું એવું ગામ આપ્યું. વિચાર એવો હતો કે સિંહો આ પ્રજાતિને ખાઈ અને ખતમ કરી દેશે.
કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે તેમ આફ્રિકામાં સિંહો સાથે ઉછરેલી આ પ્રજાતિ એશિયાઈ સિંહોને જોઈને વધુ ઉત્સાહિત થઈ તેમને થયું કે પોતે વતન પહોંચી ગયા. આ રીતે સદીઓથી તેઓ ગીરના જાંબુર ગામમાં વસ્યા છે. સિંહ સાથે સહઅસ્તિત્વ ધરાવતું જીવન કેવી રીતે જીવવું તે સીદી સમુદાયે વિશ્વને શીખવ્યું છે. આજે સીદી સમાજે ગુજરાતની અસ્મિતાનો અભિન્ન અંગ બની ગયા છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો આ આફ્રિકી મૂળના પણ હવે સવાયા ભારતીય તેવા સીદી સમાજનું ધમાલ નૃત્ય જોવાનું અચૂક પસંદ કરે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતના અભિન્ન અંગ પરંતુ ભૃપૃષ્ઠ અને લાક્ષણિકતાની દ્રષ્ટિએ આ વિશિષ્ટ પ્રજાતિને ચૂંટણી પ્રક્રિયામાં વિશેષ સન્માન આપ્યું છે.
સીદી સમુદાય માટે જાંબુર અને માધુપુર ગામે ત્રણ વિશેષ બુથ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 3481 સીદી સમાજના મતદારો પોતાના માટે ખાસ બનેલા બૂથમાં મતદાન કર્યું અને પોતાના ભારતીય હોવાનો ગૌરવ લીધો.
મહાત્મા ગાંધીની આફ્રિકા સાથેની સ્મૃતિ પણ આ વિશેષ બુથમાં વણી લેવાઈ
મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં ભણ્યા અને બેરિસ્ટર તરીકે ત્યાં સેવા પણ આપી. પણ પોતાનો પ્રથમ સત્યાગ્રહ અને પ્રથમ આશ્રમ પણ ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કર્યા હતા. ભારત અને આફ્રિકાની મિત્રતા તેમજ મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્વરૂપે ગીર ગ્રામ્ય વિસ્તાર જાંબુર-માધુપુરમાં ત્રણ વિશેષ બુથ બનાવવામાં આવ્યા હતા. આ લોકશાહીની સુંદરતા અને વૈવિધ્યતાના ઉદાહરણરૂપ અને ગુજરાતની ગરિમા વધારી હતી.