ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. આજે 4 લાખથી વધુ શ્રદ્ધળુઓ માં અંબાના શરણે પહોંચ્યા અને નવરાત્રિમાં પધારવા આમંત્રણ આપ્યું.
અંબાજી- આજે ભાદરવી પૂનમના મેળાની પુર્ણાહૂતી છે, આજે અંતિમ દિવસે લાખોની સંખ્યામાં માં અંબાજીના ભક્તો દર્શને પહોચ્યા છે, તેમજ જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી 24 કલાક સુરક્ષા કર્મચારીઓ ખડેપગે ફરજ પર રહ્યા છે. આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સાંજે પરંપરાગત રીતે અંબાને માતાજીને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહૂતિ થશે.
અંબાજીમાં પદ યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રસ્તામાં ઠેર-ઠેર કેમ્પ ગોઠવવામાં આવ્યા હોવાથી યાત્રીઓને કોઇ અગવડતા પડતી નથી. અનેક સેવા ભાવી સંસ્થાઓ આ મેળામાં સેવા આપી રહી છે. તેમજ નિશુલ્ક ભોજનાલય પણ ચાલે છે. અંબિકા અન્નક્ષેત્રમાં યાત્રાળુઓને સવારે 10:30થી બપોરે 3:00 તથા સાંજે 6:00થી રાત્રે 9:30 સુધી ભોજન પ્રસાદ મળે છે.
ભાદરવી પૂનમના મેળામાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોનાની આવક થઇ છે, તેમજ અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી માટે 2 કરોડ 28 લાથખી વધુની આવક થઇ છે. અંબાજી મહાકુંભના છ દિવસ દરમિયન અંદાજિત 27 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો.