આ અધિકારીઓ ગાયો ના નામે માલધારીઓને તો દંડ ફટકારી રહ્યા છે

એસએમસી-એસઆરપીના જવાનોએ લાજ શરમ નેવે મૂકી દીધી છે. એસઆરપીના જવાને પશુપાલક મહિલાઓ સાથે ગાળાગાળી તથા અશોભનીય વર્તન કર્યું હતું. કાયદાની પરિભાષામાં જ્યાં પણ મહિલાનો સામનો કરવાનો થાય ત્યારે અટકાયત કરવા માટે કે મહિલાને સમજાવવા માટે મહિલા કર્મચારીની હાજરી હોવી અનિવાર્ય છે, આ કિસ્સામાં એસઆરપીના જવાનોએ મહિલા કર્મચારીની ગેરહાજરીમાં મહિલાઓ સાથે મર્યાદા બહારનું વર્તન કર્યું હતું.

Gabhru Bharvad
  • Aug 6 2022 6:50PM
ગોડાદરાના સંતનુ ચાર રસ્તા ખાતે એસએમસી દબાણખાતા દ્વારા માલધારી લોકોની ગાયો કબ્જે કરાઈ હતી. જેને છોડાવવા માટે માલધારી સમાજની મહિલાઓ તથા પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. સુરત એસએમસી દ્વારા ઘરમાંથી ગાયો છોડાવી અને માલધારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યાં છો તેમાં નજરે ચડે છે કે કેવી રીતે એક એસઆરપીનો જવાન ગાયોને માલધારી મહિલાઓ છોડાવવા જાય ત્યારે પુરુષ અધિકારીઓ હાથ પકડે, વાળ પકડે, બહેનોને પાછળથી બાથમાં લઇને પકડવામાં આવે છે. આ પ્રકારનો અધિકારીઓનો વ્યવહાર કેટલો વ્યાજબી? વાસ્તવમાં મહિલાને આ રીતે અટકાવી શકાય નહીં. કાયદાની જોગવાઇ મુજબ જોઇએ તો મહિલાને દૂર કરવા કે મહિલાની અટકાયત કરવી હોય તો મહિલા પોલીસ અધિકારીની હાજરી અનિવાર્ય છે. અહીં મહિલા અધિકારી કે કર્મચારી હાજરી હતી જ નહીં. દબાણ હટાવવાની કામગીરી કરી રહેલી સુરત મહાનગરપાલિકાની ટીમે ગાયોને બળજબરી પૂર્વક ગાડીમાં નાખવાનો પ્રયાસ કર્યો. આ વખતે ત્યાં માલધારી સમાજની કેટલીક મહિલાઓ હાજર હતી. જેમણે આ ગાય પોતાની માલિકીની હોવાની વાત સાથે વિરોધ કર્યો તો દબાણ હટાવનારી ટીમના કર્મચારીઓ તેમજ તેની સાથે રહેલા એસઆરપીના જવાનોએ મહિલાઓ સાથે અશોભનીય, મર્યાદા બહારનું વર્તન કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોની રહેમ નજર નીચે અધિકારીઓ બેફામ બન્યા છે? મહિલાઓ સાથે આવો વ્યવહાર? આ નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ. આ પ્રશ્ન માત્ર માલધારી સમાજનો નહિ પણ દરેક ગુજરાતીઓનો છે. કેમ માલધારી સમાજને પશુપાલન છોડાવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે? કેમ ઘરેથી ગાયો લઈ જઈ મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે? મારું સ્પષ્ટ માનવું છે કે, એમના કોર્પોરેટ મિત્રો માટે દૂધનો વ્યવસાય ખુલ્લો મૂકી નકલી દૂધનો વેપાર વધારવા માટે માલધારીઓને પશુપાલનના વ્યવસાયથી દુર કરવામાં આવી રહ્યા છે. પરિણામે એસઆરપીના જવાનોએ માલધારી સમાજની મહિલાઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. જેના માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અને એસઆરપીની ટીમે કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરી હોવા છતાં ઊલટા ચોર કોટવાલને દંડે એ ન્યાયે ગોડાદરા પોલીસ મથકમાં માલધારી સમાજના પુરુષો અને મહિલાઓ સામે ફરિયાદ પણ નોંધાવી દીધી. આ સમગ્ર મામલે સુરત શહેરના માલધારી સમાજના આગેવાનો તથા સુરત શહેર અને નવસારીના ગૌ રક્ષકો સુરત એસએમસી અને એસઆરપીના જવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરાવવા સુરત શહેર પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરશે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार