યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમાં સવારના સમયથી જ મંગળા આરતીમાં ભક્તોનો ધસારો થયો
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમાં સવારના સમયથી જ મંગળા આરતીમાં ભક્તો નો ધસારો જોવા મળ્યો હતો. મંગળાઆરતી પછી ભગવાનને કેસર સ્નાન કરી ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર પદ્મ ગદા અને ધનુષ બાણ શ્રી રામ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપ્યા હતા.
બપોરના બરાબર બાર ના ટકોરે શાલીગ્રામ ભગવાનની પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું. તે વખતે મંદિરમાં જય જય કાર થયો જય જય શ્રી રામ ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના ગગનભેદી નારા લાગ્યા જન્મ સમયે મંદિર પરિસરમાં હૈયેથી હૈયું દબાય તેવી ભીડ જોવા મળી હતી.
રામ નવમીને લઈને યાત્રાધામ ડાકોરમાં શોભાયાત્રા પણ નીકળી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા તેમજ ઠાસરા તાલુકાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર પણ ભગવાન શ્રી રામજીની શોભાયાત્રામાં જોડાયા હતા.