આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પાટણ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશાં કટિબદ્ધ
સ્વ-રક્ષણ યોજના હેઠળ ત્રણ વર્ષમાં ૧૧૩૬૫ બહેનોને સ્વરક્ષણ તાલીમ અપાઈ :- જિલ્લા પોલીસ વડા વી.કે નાયી
મહિલાઓને બંધારણીય હકો વિશે માહિતગાર કરવામાં આવી
મહિલાઓના હકો, સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી ૮ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. રાજ્યમાં બહેનોની સુરક્ષા માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મહિલા સ્વ-રક્ષણ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ બહેનોને આત્મ રક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સની વિશેષ તાલીમ આપવામાં આવે છે.
પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બહેનોને તાલીમ આપીને પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયીએ જણાવ્યું કે, પાટણ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત જિલ્લાની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે વર્ષઃ ૨૦૨૨ - ૨૩ માં ૫૩૪૮ વર્ષઃ ૨૦૨૩ -૨૪ માં ૩૦૧૭ તથા વર્ષઃ ૨૦૨૪- ૨૫ માં ૩૦૦૦ એમ છેલ્લા ત્રણ વર્ષમાં કુલઃ ૧૧૩૬૫ વિદ્યાર્થીની/મહિલાઓને કરાટે, જુડો તેમજ અન્ય માર્શલ આર્ટની સ્વરક્ષણ તાલીમ આપવામાં આવેલ છે. આ તાલીમ થકી બહેનો/યુવતીઓમાં આત્મવિશ્વાસ અને હિંમત કેળવાય છે તથા હેરાનગતિ, અત્યાચાર અને દુર્વ્યવહાર સામે લડવા માટે બહેનો સક્ષમ બને છે.
પાટણ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ છે ત્યારે વધુમાં વધુ બહેનો સ્વ રક્ષણની આ તાલીમ મેળવે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ કરાયો હતો. રાજ્ય સરકારની આ શ્રેષ્ઠ તાલીમ થકી આપાતકાલીન પરિસ્થિતિમાં બહેનોએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવવામાં આવે છે. તેમજ નારી વંદન ઉત્સવની ઉજવણીના મહિલા સુરક્ષા દિવસના ભાગરૂપે પાટણ જિલ્લા શી-ટીમ દ્વારા મહિલાઓના બંધારણીય હકોથી જાગૃત કરવા તેમજ મહિલાઓને સશક્ત બનાવવા સારૂ જનજાગૃત્તિ રેલીનું આયોજન કરવામાં આવેલ તેમજ મહિલાઓને બંધારણીય હકો વિશે માહિતગાર કરવામાં આવેલ છે.
પાટણ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કુલઃ૧૧૩૬૫ વિદ્યાર્થીની બહેનો/યુવતીઓને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ છે. જેમાં ટ્રેનર દ્વારા વિવિધ સંસ્થાઓ, શાળા- કોલેજ ખાતે જઈને બહેનોને ૧૫ કલાકની તાલીમ આપવામાં આવે છે. તેમને કરાટે, જૂડો અને અન્ય માર્શલ આર્ટ્સની તાલીમ પોલીસ અને સુરક્ષા નિષ્ણાતો દ્વારા અપાય છે. આ સાથે સમાનતા અને સશક્તિકરણ પર વર્કશોપ તથા તાત્કાલિક બચાવ અને મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આજે જિલ્લાની હજારો બહેનો આ તાલીમ મેળવીને જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગનો આભાર માની રહી છે.