શોર્ય , સાહસ અને સમર્પણની સાક્ષાત મૂર્તિ: રાજમાતા નાયકા દેવી
૮ મી માર્ચ; આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
રાણી નાયિકા દેવીએ માઉન્ટ આબુની તળેટીમાં મહંમદ ઘોરી સામે રણચંડી બની યુદ્ધ કર્યું હતું
તાજેતરમાં રાજ્ય સરકારે પાટણના મ્યુઝિયમનું નામ રાજમાતા નાયકા દેવી કરી રીનોવેશન માટે ૨૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી
નારી ગૌરવ અને નારી ઉત્કર્ષ થકી સામાજિક લોકજાગૃતિ લાવવાના ભાગરૂપે ૮ મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે વાત કરીએ પાટણની ઝાંસીની રાણી અને રાજમાતા નાયકા દેવીની કે જેઓ શોર્ય , સાહસ અને સમર્પણની સાક્ષાત મૂર્તિ છે, જેમના સન્માનમાં તાજેતરમાં રાજ્ય સરકારે પાટણના મ્યુઝિયમનું નામકરણ રાજમાતા નાયકા દેવી જાહેર કર્યું છે.
રાજ્ય સરકારે મ્યુઝિયમના રિનોવેશન માટે ૨૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. મ્યુઝિયમમાં નાયકાદેવીના ઈતિહાસની માહિતી ઉપલબ્ધ કરાશે. પર્યટકો માટે કેન્ટીન અને પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. આવનારા સમયમાં આ મ્યુઝિયમની મુલાકાત લેનાર વિશ્વભરના પ્રવાસીઓ નાયકા દેવીના ઇતિહાસ અને તેમની શોર્યગાથાથી વાકેફ થશે. ત્યારે આવો જાણીએ રાજમાતા નાયકા દેવી વિશે.
પોતાના શોર્ય અને સાહસથી ઇતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરનાર અનેક મહિલાઓ થઈ છે, ખૂબ લડી મર્દાની વો ઝાંસી વાલી રાની થી, એ પંક્તિઓ આજે પણ ઉત્સાહને ગર્વ સાથે ગવાય છે ત્યારે આજે વાત કરીએ પાટણની ઝાંસીની રાણી એવી નાયિકા દેવીની.
રાજા અજયપાલના ધર્મપત્ની અને ગોવાના કદંબા શાસક મહામંડલેશ્વર પરમાદીની પુત્રી હતા નાયિકા દેવી. રાજા અજયપાલનું અવસાન થતા તેમનો પુત્ર મૂળરાજ સોલંકી નાનો હોઈ ઈ.સ 1171ની શરૂઆતથી 4 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે શાસન સંભાળ્યું હતું અને રાજમાતા તરીકે પ્રજામાં સન્માનીય બન્યા હતા. આ નાયિકા દેવીએ મહંમદ ઘોરીને હરાવીને ગુજરાતમાં પ્રવેશતો અટકાવ્યો હતો. એક વિધવા રાણીનું આ સાહસ આજે ઇતિહાસના પન્નાઓમાં ક્યાંક ખોવાઈ ગયુ છે. આપણે સૌ મહંમદ ઘોરી અને દિલ્હીના પ્રતાપી રાજા પૃથ્વીરાજ ચૌહાણના ઇતિહાસથી તો વાકેફ છીએ, પરંતુ આ બંનેના સંઘર્ષના 14 વર્ષ પહેલાં રાણી નાયિકા દેવીએ માઉન્ટ આબુની તળેટીમાં મહંમદ ઘોરી સામે રણચંડી બની યુદ્ધ કર્યું હોવાનું વર્ણન મેરુતુંગના પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં મળે છે.
કવિ સોમેશ્વર અને અમેરિકન ઇતિહાસકાર સંશોધક ટર્ટિયસ શેન્ડલરે પણ નાયિકાદેવીના પરાક્રમના ભરપેટ વખાણ કર્યા છે. એટલું જ નહિ તેરમી સદીમાં થઈ ગયેલા પર્શિયન પ્રવાસી - ઈતિહાસકાર મિનહાજુદ્દીન સિરાજ (પૂરું નામ મિનહાજુદ્દીન અબુ-ઉમર-બિન સિરાજુદ્દીન અલ જુજિયાની)એ ‘તબકાક-એ-નાસિરી’ નામના પુસ્તકમાં નાયિકાદેવીની હિમ્મત, વહીવટ, શાસન અને યુદ્ધકળાની પ્રસંશા કરી તેમને બિરદાવ્યા છે, તો આપણા સાહિત્યકાર ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુએ 1951માં નાયિકાદેવી નામે ઐતિહાસિક નવલકથા લખી હતી જેમાં નાયિકાદેવીના મહંમદ ઘોરી સામેના સંગ્રામની કથા જોવા મળે છે. નાયિકા દેવીના જીવન અને તેમના શોર્યને અંજલિ આપતી નાયિકા દેવી ધ વોરિયર ક્વીન નામની ગુજરાતી ફિલ્મ પણ બની છે.
પાટણના ઈતિહાસમાં રાજમાતા નાયકાદેવીના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. પાટણના મહા પરાક્રમી રાજાઓની સાથે નાયક દેવી પણ સવિશેષ મહત્વ ધરાવે છે. મહંમદ ઘોરીને પરાજય આપ્યા બાદ ૧૫૦ વર્ષ સુધી ઇસ્લામિક શાસકોએ ગુજરાત પર આક્રમણ કરવાની હિંમત કરી નહોતી તેવું ઈતિહાસકારો જણાવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ રાજ માતા નાયકા દેવીના જીવનમાંથી પ્રેરણા મેળવી મહિલાઓના સશક્તિકરણ અને ઉત્થાન માટે સંકલ્પબદ્ધ બનીએ એજ પ્રાર્થના સાથે સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ.